આગ્રાઃ એક મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. આશ્ચર્ય સાથે ડોકટરોએ કહ્યું કે, તેમને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા જ જોડિયા બાળકો વિશે જાણવા મળ્યું હતું. બાળકોમાં ત્રણ પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર માતા અને બાળકોની હાલત ઠીક છે. ચાર બાળકોને જન્મ આપનાર માતા-પિતાની આર્થિક સ્થિતિ સાધારણ હોવાથી તબીબોએ તેમનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી માનવતાં મહેંકાવી હતી.
મળતી માહિતી અનુસાર આગ્રાના એતમદૌલા વિસ્તારના પ્રકાશ નગરમાં રહેતી ખુશ્બુ ઓટો ડ્રાઈવર મનોજની પત્ની છે. તે ગર્ભવતી હતી. તેમને રવિવારે સવારે ટ્રાન્સ યમુના કોલોની ફેઝ-1 સ્થિત અંબે હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડિલિવરી પહેલા ડોક્ટરોએ મહિલાનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું હતું, જેમાં જોડિયા બાળકો જોવા મળ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર જ્યારે મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારે ચાર બાળકોની ડિલિવરી થઈ હતી. ડોકટરો આનાથી આશ્ચર્યચકિત છે. ઓટો ડ્રાઈવર મનોજને હવે કુલ સાત બાળકો છે. મનોજને પહેલેથી જ ત્રણ દીકરીઓ હતી. ચાર બાળકોની ખુશી સોમવારે તેમને વધુ મળી હતી. મનોજે જણાવ્યું હતું કે, તે ઓટો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હવે સાત બાળકો છે. ચિંતિત પરંતુ ખુશ છે કે બાળકો અને પત્ની સુરક્ષિત છે.
ડોક્ટર મહેશ ચૌધરીએ કહ્યું આ બાળકોની સંભાળ પોતે લેશે : તબીબોનું કહેવું છે કે, તમામ બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. ચારેય બાળકોને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. બાળકોને ટ્રાન્સ યમુનાના ક્રેડલ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલના ઑપરેટર મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ ઘણા વર્ષોથી હૉસ્પિટલ ચલાવી રહ્યા છે, પરંતુ આવો ચમત્કાર ક્યારેય જોયો નથી. ડોક્ટર મહેશ ચૌધરીએ કહ્યું કે, તે આ બાળકોની સંભાળ પોતે લેશે. જો પરિવારને આર્થિક મદદની જરૂર હોય તો તેઓ પણ સંપૂર્ણ મદદ કરશે. આ સાથે બાળકોના ભણતરની પણ વ્યવસ્થા કરીશું.