યુપીના લખનઉની એક મહિલાએ ચોંકાવનારો દાવો કર્યો છે. આ દાવા પછી પોલીસ અને તંત્ર બંનેમાં ખળભળાટ મચી ગયું છે. મહિલા ભારત-ચીન બોર્ડર પાસે નાભિધાંગના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. જ્યારે પોલીસ તેને લેવા પહોંચી તો તેણે આત્મહત્યા કરવાની ધમકી આપી. આ મહિલાનું કહેવું છે કે તે દેવી પાર્વતીનો અવતાર છે અને ભગવાન શિવ સાથે લગ્ન કરશે.
પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, મહિલાની ઓળખ હરમીત કૌર તરીકે થઈ છે, જે મૂળ યુપીના લખનૌના અલીગંજ વિસ્તારની છે. આ મહિલા 10મી મેના રોજ ઈનર લાઈન પરમિટ પર આદિ કૈલાશ-ઓમ પર્વતની યાત્રા પર ગઈ હતી, તેની પરમિટની માન્યતા 25મી મે સુધી હતી. પરંતુ યાત્રા પૂરી થયા પછી પણ આ મહિલા ગુંજી (કૈલાશ માનસરોવર યાત્રા રૂટ) પર રોકાઈ ગઈ. આ એક એવી જગ્યા છે જે પ્રતિબંધિત વિસ્તાર છે અને અહીં પરમિટ વગર રહી શકાતું નથી.
જ્યારે 3 સભ્યોની પોલીસ ટીમ આ મહિલાને પરત લાવવા પહોંચી ત્યારે તેણે પરત ફરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તે પાર્વતીનો અવતાર છે અને તે કૈલાસના સ્વામી શિવ સાથે લગ્ન કરશે અને તે વિસ્તારમાંથી પરત નહીં ફરે. પોલીસકર્મીઓ કડક કાર્યવાહી કરવા માંગતા હતા ત્યારે મહિલાએ કહ્યું કે તે આત્મહત્યા કરી લેશે.
આ પછી પોલીસ અને વહીવટી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસકર્મીઓએ મહિલાને સાથે લીધા વિના જ પરત ફરવું પડ્યું હતું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રથમ દ્રષ્ટિએ મહિલાની માનસિક સ્થિતિ સારી દેખાતી નથી.