રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કહો કે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં અપહરણ અને દુષ્કર્મની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે ફરિયાદ મળતાં જ એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપી બે સંતાનોનો પિતા હોવાનું પણ ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતી છ સંતાનોની માતાના સૌથી નાનકડા પુત્રને આંચકી આવતી હતી. જેથી પોતાના પુત્રની સારવાર માટે પોતાના અન્ય ત્રણ સંતાનોની સાથે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ સમયે તેની 16 વર્ષની સગીર પુત્રી તેમજ 13 વર્ષ અને 10 વર્ષનો દીકરો પણ હાજર હતો. 16 વર્ષની સગીર પુત્રીને એક બાઈક ચાલકે મોબાઈલ રોકડ તેમજ ફરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને સ્લીપર કોચમાં બેસાડી ચોટીલા સુધી ફેરવવાનું બહાનું પણ આપ્યું હતું. બાઈક ચાલકે ગ્રીનલેન્ડ ચોકડી પાસે બાઈક રાખી સગીરા સાથે બસમાં બેસી ગયો હતો. બસમાં ઉપરના સોફામાં સગીરાને બેસાડી તેની પાસે શારીરિક સંબંધની માગણી કરી હતી.
શારીરિક સંબંધની સામે સગીરાને રૂપિયા 500ની લાલચ પણ આરોપી આપી હતી તેમ છતાં સગીરાએ તેને શારીરિક સંબંધ બાબતે ના પાડી હતી. દરમિયાન આરોપીએ સગીરાના કપડા ઉતારી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ બસ ઉભી રખાવી હતી અને ત્યારબાદ સગીરા સાથે તે બસમાંથી નીચે ઉતરી ગયો હતો. બાદમાં અમદાવાદથી રાજકોટ તરફ આવતી એક કારમાં તે ગ્રીનલેન્ડ ચોકડી સુધી પહોંચ્યા હતા. તેમજ ત્યાંથી સગીરાને બાઈકમાં બેસાડી સિવિલ હોસ્પિટલ ખાતે ઉતારીને જતો રહ્યો હતો.
સમગ્ર મામલે સગીરાના બંને ભાઈઓએ પણ માતાને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ત્રણેય જમવાનું લેવા માટે લોટરી બજાર તરફ ગયા હતા. ત્યારે બાઈક ચાલક મળ્યો હતો. થોડીક વાર માટે ત્રણેય ભાઈ બહેનને રેસકોર્સ રીંગ રોડ પર બાઈકની ચક્કર પણ મરાવી હતી. ત્યારબાદ બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલના ગેટ પર છોડી બેનને બેસાડી ત્યાંથી જતો રહ્યો હતો. ભોગ બનનારની માતાએ પોલીસને જણાવ્યું છે કે, તેને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. તેનો પતિ ચારેક માસથી પરિવારને છોડીને અન્યત્ર જગ્યાએ રહેવા ચાલ્યો ગયો છે. ઘરનું આર્થિક ગુજરાન તેનો સૌથી મોટો પુત્ર કે જેની ઉંમર 18 વર્ષનો છે તે ચલાવી રહ્યો છે. તેમજ તેના સૌથી નાના પુત્રની ઉંમર માત્ર બે માસની છે. પચ્ચીસ દિવસ પૂર્વે સૌથી નાનકડા પુત્રને આંચકી ઉપડતા તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે.