સુરત, તા. 22 માર્ચ…
વરિયાવ રોડ પર પિયર ઘરે રહેવા આવેલી યુવાન પરિણીતાની પિતાના જુના મિત્રએ છેડતી કરી હતી. તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે છે એમ કહી રસોડામાંથી ખેંચી બેડરૂમ તરફ લઈ જવાનો પ્રયાસ કરાતાં યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. ગભરાઇને ભાગી ગયેલા આ લંપટ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
અમરોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વરિયાવ રોડ પર સ્ટાર ગાર્ડન રેસીડન્સીમાં સિંગલ પરિવાર રહે છે. આ પરિવારની દિકરીના જહાંગીરપુરામાં લગ્ન થયા છે. 23 વર્ષીય આ દિકરી પંદરેક દિવસથી પિયર રહેવા આવી છે. વીસમી માર્ચે બપોરના સમયે આ યુવતીની માતા અને નાની કામ અર્થે બહાર ગયા હતાં. ઘરે તે અને તેનો ભાઈ એમ બે જણા જ હતાં.

લગભગ દોઢેક વાગ્યાની આસપાસ તેમના ઘરે પિતાના જુના મિત્ર પંકજ પોપટભાઇ મોરડિયા આવ્યા હતા. યુવતીના પિતા 2014માં અવસાન પામ્યા હતાં. પિતાના જુના મિત્ર હોવાથી પંકજ મોરડિયાને તરૂણે આવકાર્યા હતા. તેણે પાણી આપ્યું અને બહેનને ચા મૂકવા કહ્યું હતું, પોતાની બારમાં ધોરણની પરીક્ષા હોય તરુણ નીકળી જતાં ઘરમા પંકજ અને યુવતી એકલા જ હતાં.

આ એકલતાનો ગેરલાભ ઉઠાવવા પંકજ રસોડોમાં ઘૂસી ગયો હતો. તેણે ચા બનાવતી દીકરી સમાન યુવતીને તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે છે એમ કહી પાછળથી પકડી લીધી હતી. પંકજે યુવતીનો હાથ પકડી ખેંચીને બેડરૂમ તરફ લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. પંકજની દાનત પારખી ગયેલી યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ જોઈ પંકજ ત્યાંથી ભાગી ગયો હતો. તે ઘરેથી જતાં જ યુવતીએ તેની માતા અને પતિને કોલ કરી આ બનાવની જાણ કરી હતી.
પતિ તથા માતા અને નાની ઘરે દોડી આવ્યા હતાં. સોનલે તેઓને પંકજની હરકત જણાવી અને તેની ચર્ચા કર્યા બાદ તેઓ પોલીસ મથક પહોંચ્યા હતાં. પિતાતૂલ્ય ગણતા હતાં એ શખ્સે કરેલી નીચ હરકત અંગે ફરિયાદ કરાઇ હતી. પરિણીતાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે પંકજ પોપટ મોરડીયા (રહે. સહજાનંદ સોસાયટી, કાપોદ્રા) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.