કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદિર પીરજાદાએ 2 દિવસ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતિને ભૂલી જાય છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા સામેથી આવ્યા હતા. આ નિવેદનના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીમાં જ વિવાદ વકર્યો છે. PAAS નેતા દિનેશ બાંભણિયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કરેલા સરકારી સંપતિ ઉપર પહેલો અધિકાર લઘુમતીઓનો એવા નિવેદનનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં કાર્યકારી પ્રમુખના નિવેદનને લઇ ભકડો થયો છે. કોંગ્રેસ માટે આ નિવેદનબાજી આત્મઘાતી સાબિત થશે એવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.

કદીર પીરઝાદાના નિવેદન અંગે સૌથી પહેલી અને આકરી પ્રતિક્રિયા પાસના દિનેશ બાંભણિયાએ આપી હતી. ત્યારબાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો.જેમાં રજૂઆત કરતા જણાવ્યું કે કદીર પરીજાદાના આવા નિવેદનોથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. તેમના નિવેદનને લઇ પાટીદાર સમાજમાં રોષ છે. સાથે જ કદીર પીરજાદા ભવિષ્યમાં આવા બેજવાબદારી વાળા નિવેદનો ભવિષ્યમાં ન કરે તે અંગે માંગ કરવામાં આવી. તેમજ પત્ર લખીને સમગ્ર બાબતનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

તો ગઇકાલે PAAS નેતા દિનેશ બાંભણિયા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને કદિર પીરજાદા માંફી માગે તેવી માગ કરી હતી. બાંભણિયાએ કહ્યું કે જો પીરજાદા માફી નહીં માગે તો કોંગ્રેસનો વિરોધ કરીશું. પીરજાદા કદિર ભાઇએ નરેશ પટેલને લઇને જે નિવેદન કર્યું છે તેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ દુઃખ અને આક્રોષની લાગણી ઉભી થઇ છે. ત્યારે, કોંગ્રેસ પ્રમુખને વિનંતી કરું છું કે, જવાબદાર હોવાના નાતે કોઇપણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. તો આજને આજ માફી માંગવામાં આવે અને કોંગ્રેસ પક્ષ પોતાનો ખુલાસો કરે, વિનંતીની સાથે ચેતવણી પણ આપીએ છીએ. જો ટુંક સમયમાં માફી નહીં માગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ હોદ્દેદારોનો વિરોધ કરીશું.

ઉલ્લેખનીય છે કે કદીપ પીરઝાદાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તમે 11 ટકા માટે તમે હાર્દિક અને નરેશ પટેલની પાછળ પાછળ ભાગતા હતા. તમે એ ભૂલી ગયા છો કે આ લોકો(લઘુમતી) કોંગ્રેસની સરકાર બનાવતા હતા. અમે જગદીશ ઠાકોરને પહેલાથી કહેતા હતા કે, અમારા છે તેની તાકાતથી 120 સુધી પહોંચવાની કોશિશ કરો અને મને જોડો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ખુદ હી કો કર બુલંદ ઇતના ,કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે ,બતા તેરી રજા કયા હે ? ફરીયાદ કરવાનું છોડી દો.
જો કે પાટીદાર અગ્રણીઓ દ્વારા શરૂ કરાયેલા વિવાદ બાદ પીરઝાદાએ સ્પષ્ટતાં કરતાં કહ્યું હતું કે હું પાટીદાર સમાજ અંગે કશું વાંધાનજક બોલ્યો નથી. અર્થનો અનર્થ કરવામાં આવ્યો છે. મેં ગઇકાલે પણ કહ્યું હતું કે મારા નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું દિલગીરી વ્યક્ત કરુ છું.