સુરત : છૂટાછેડાના કેસમાં પત્ની તરફે હાજર રહેલા મહિલા વકીલને પત્નીના પતિએ ચાલુ કોર્ટમાં ફાયરીંગ કરવાની ધમકી આપી હતી, આ ઉપરાંત ચૂકાદો આપનાર ફેમીલી કોર્ટના જજને પણ મારી નાંખવાની ધમકી આપતા પોલીસ દોડતી થઇ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને ધમકી આપનાર અનિલ માંગુકીયાની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો, બીજી તરફ એક ધારાશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે આરોપીની ગુનાહિત માનસિકતાને જોઇને ફેમીલી કોર્ટના જજે પોલીસ પ્રોટેકશન માંગ્યુ હોવાની વાત પણ બહાર આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમરોલીના કોસાડ આવાસમાં રહેતો અનિલ કાળુભાઇ માંગુકીયા અને તેની પત્ની મિત્તલની વચ્ચે ઝઘડાઓ થતા સુરતની ફેમીલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ આવ્યો હતો. બંને વચ્ચે સમાધાન થઇ ગયા બાદ ફરીવાર ઝઘડો થયો હતો અને ફરીવાર કોર્ટમાં કેસ કરાયો હતો. આ કેસને લઇને તા. 26મી એપ્રીલ-2022ના રોજ કોર્ટે બંનેને છૂટાછેડા લેવા માટે ફેમીલી કોર્ટે હુકમ કર્યો હતો. ત્યારે આ અનિલ માંગુકીયાએ પત્ની મિત્તલના વકીલ નીતાબેન જયાણીને મોબાઇલમાં ધમકી આપી હતી કે, મોજ કર હું હાઇકોર્ટમાં અપીલમાં જાઉ છું, તારા બાપનો કેસ અપીલમાં આવી ગયો છે, તારા કિલોમીટર પૂરા થઇ ગયા છે, જીવી લે. ત્યારબાદ ફરીથી મેસેજ કર્યો કે, હવે 302ની ફરિયાદ દાખલ થશે. નીતાબેનએ અનિલ માંગુકીયાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરતા તેમાં અનિલ માંગુકીયાએ કામરેજના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત આ કેસમાં અન્ય વકીલોને પણ મારી નાંખવાની ધમકી આપી હતી.

અનિલ માંગુકીયાએ વકીલની ઉપર ચાલુ કોર્ટમાં ફાયરીંગ કરવાની ધમકી આપી હતી, તેમજ છૂટાછેડાનું જજમેન્ટ આપનાર જજને પણ મારી નાંખવાની ધમકી અપાઇ હતી. અનિલે પોતાને દાઉદનો માણસ ગણાવ્યો હતો અને જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં ચાલુ કાર્ટે ફાયરીંગ અનિલ માફિયા કરશે, જજમેન્ટ આપનાર જજનું પણ કોર્ટમાં મડર કરવામાં આવશે તેમ કહીને બેફામ ગાળો બોલ્યો હતો. અનિલે કહ્યું કે, પોતે યમરાજ છે અને જેને ધારે તેને ઉઠાવું લઉ છું, વધુમાં વધુને ધમકી આપી હતી કે, તને તારી ઓફિસથી ઘસડી લઇ જઇને ફેમીલી કોર્ટમાં મારીશ. તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી જજે’. આ બાબતે નીતાબેનએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગત તા. 22મી જૂનના રોજ અનિલ માંગુકીયાની સામે ગુનો નોંધ્યો હતો. હાલમાં વરાછા પોલીસે અનિલ માંગુકીયાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. અનિલ માંગુકીયા તરફે કોઇ વકીલ હાજર થયો ન હતો, ત્યારે અનિલ માંગુકીયાએ જાતે જ કોર્ટમાં કહ્યું કે, સાહેબ મારે જ્યુડિશીયલ કસ્ટડીમાં જાવું છે. કોર્ટે અનિલ માંગુકીયાની સામે જેલવોરંટ ભરાવીને તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
**અનિલ માંગુકીયાની સામે 20 જેટલા ગુનાઓ નોંધાયા છે..
કોર્ટમાંથી મળતી માહિતી પ્રમાણે અનિલ માંગુકીયાની સામે સુરતના વિવિધ પોલીસ મથકોમાં 20 જેટલા ગુનાઓ નોંધાયા છે. કતારગામ પોલીસે અનિલને પાસા હેઠળ પણ અટકાયત કરી હતી. તેમ છતાં તે જ્યારે પણ જેલની બહાર આવતો ત્યારે તે ધમકીઓ આપતો હતો. પોલીસે વકીલ હોવા ન છતાં વકીલ તરીકે લોકોને ધમકાવતો હોવાની વાતો પણ બહાર આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે વરાછા પોલીસનો સ્ટાફ અનિલ માંગુકીયાને લઇને સુરતની કોર્ટમાં આવ્યો હતો. અનિલને જેલમાં મોકલી આપવાનો હુકમ કરાયા બાદ ધમકીનો ભોગ બનેલા ચારથી પાંચ જેટલા મહિલા વકીલો તેમજ સુરત જિલ્લા વકીલ મંડળના એક હોદ્દેદાર પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓએ ભેગા થઇને જજને રજૂઆત કરતા કહ્યું કે, આરોપી અનિલ માંગુકીયાએ જજોને પણ ધમકી આપી છે, અને તેને ફેસબુકમાં પોસ્ટ પણ મુકી છે, આરોપીની ધમકીના કારણે ફેમીલી કોર્ટના જજે પોલીસ પ્રોટેકશન પણ માંગ્યું છે.