મહારાષ્ટ્રમાં શાસક પક્ષ શિવસેનામાં આંતરિક લડાઇ ચરમસીમાએ પહોંચી છે. શિંદે જુથની વિનમણી, મનામણી બાદ હવે ઠાકરે જુથે કડક ભાષાઉચ્ચાપવા માંડી છે. રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે હાર માનનારાઓમાંથી નથી. બળવાખોર ધારાસભ્યો વિશે તેમણે કહ્યું કે અમે તેમને પાછા આવવા માટેની તક આપી પરંતુ હવે સમય વીતી ગયો છે. હવે અમારી ચેલેન્જ છે કે તમે પાછા આવીને બતાવો.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પર જોખમ તોળાયેલું છે. શિવસેનાના બળવાખોર નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી એકનાથ શિંદેએ લગભગ 12 અપક્ષ અને નાના પક્ષો ઉપરાંત 40થી વધુ શિવસેના વિધાયકોના સમર્થનનો દાવો કરેલો છે. શિવસેના તરફથી નારાજ જુથને મનાવવા માટે વાતચિત કરવા માટે કહેવામાં આવી રહ્યું હતું. જો કે સમાધાનની કોઇ ફોર્મ્યૂલા કામિયાબ નહીં નિવડતાં હવે આ લડાઇ આર યા પાર જેવી થઇ ચૂકી છે. આ બધા વચ્ચે સંજય રાઉતે પણ આ બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું છે.
સંજય રાઉતે એમ પણ કહ્યું કે અમે હાર માનનારાઓમાંથી નથી. અમે જીતીને જ રહીશું. અમારી લડાઈ રસ્તાઓ ઉપર પણ ચાલુ રહેશે. અમારે જે કરવું હતું તે કરી લીધુ. હવે રસ્તાઓ પર લડાઈ જીતીશું. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી રહેશે. તેમણે બળવો પોકારેલા ધારાસભ્યોને સંબોધીને કહ્યું કે હવે સમય હાથમાંથી નીકળી ગયો છે. અમે તમને પાછા આવવાની તક આપી હતી. અમે તૈયારી પૂરી કરી લીધી છે. અમારો તમને પડકાર છે કે તમે હવે પાછા આવીને બતાવો.
મહારાષ્ટ્ર સરકારના સૂત્રોના જણાવ્યાં મુજબ એમએલસી ચૂંટણી બાદ જ્યારે બળવાખોર ધારાસભ્યો ગુજરાત તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમની સાથે કોઈ જ સિક્યુરિટી ગાર્ડ કે પીએ નહતા નહીં. આવામાં કોઈને પણ તેમની મૂવમેન્ટ અંગે કોઈ જાણકારી નહતી.
બીજી બાજુ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સમર્થક શિવસૈનિકોએ શિંદે જૂથ તરફથી આવેલા પત્રનો જવાબ બીજા પત્રથી આપ્યો છે. પત્રમાં લખ્યું છે કે શિવસેનાના કારણે તમારી જીત થઈ છે. શિંદે સાહેબ હવે આવનારી ચૂંટણીમાં સંભાજી નગર પશ્ચિમથી શિવસેના જ જીતશે અને તે પણ તમારા વગર.