વડોદરા : વડોદરાની સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રેપ વિથ મર્ડરના કેસમાં આજીવન કેદની સજા ભોગવતાં છોટા ઉદેપુરના કેદી કાંતિ રાઠવાએ જેલમાં ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો છે. રાઠવા છેલ્લાં 14 વર્ષથી જેલમાં હતો. તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો. હતાશ રહેતાં રઠવાને જેલ સ્ટાફ સાથે માથાકૂટ થઇ હોવાની વાત પણ બહાર આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, છોટા ઉદેપુરના કાંતિભાઇ લટુભાઇ રાઠવાને વર્ષ-2007 ના રેપ વિથ મર્ડર કેસમાં આજીવન કેદ થઇ હતી અને વડોદરા સેન્ટ્રલ જેલમાં તે સજા કાપી રહ્યો હતો. ગઇકાલે સાંજે જેલ બંધ થયા બાદ એક કેદી ગણતરીમાં ઓછો થતા જેલ સ્ટાફે તપાસ કરતા કાંતિભાઇની પથારી ખાલી હતી. જેથી, જેલ સ્ટાફે તપાસ કરતા કાંતિભાઇએ વણાટ વિભાગમાં ગાદલા અને રૂ બનાવવાના મશીન પાસે એક ટેબલ પર સુતરની આંટી વડે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા એ.સી.પી. મેઘા તેવારે સ્થળ પર જઇને આ મામલે તુરંત તપાસ હાથ ધરી હતી.
કેદીને જેલમાં અન્ય કોઇ કેદી કે જેલ સ્ટાફ સાથે કોઇ અણબનાવ કે કેમ તથાં આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે અન્ય એક બનાવમાં માનસિક રોગની સારવાર લેતા એક કેદીએ જાતે પોતાના શરીર પર બ્લેડ મારી દીધી હતી. તેમજ ખીલી અને સ્ક્રૂ ખાઇ લેતા તેની તબિયત બગડતા તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.